ઓડ, તા. ૨૩ ઑગસ્ટ:
શનિવારી અમાસ તથા શ્રાવણ માસના અંતિમ દિવસે ઓડ શહેરમાં ધાર્મિક ઉજવણીનો માહોલ જોવા મળ્યો. પાણી ટાંકી પાસે આવેલા શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરે દાતા નરેન્દ્રભાઈની ખડકીના હાલ અમેરિકા નિવાસી પટેલ રજનીભાઈ જયરામભાઈ દ્વારા ઘી કમળ, ફૂલવાડી તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.


વર્ષો થી પરંપરા મુજબ આ મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસે શિવભક્તો ઘી કમળ અર્પણ કરી ભક્તિભાવથી શિવપૂજન કરે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ભગવાન મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.

શ્રાવણ મહિનો હિંદુ ધર્મમાં સર્વોચ્ચ મહત્વ ધરાવતા મહિનાઓમાં ગણાય છે. આ એક મહિના દરમિયાન ભક્તો ઉપવાસ, પૂજા, અનુષ્ઠાન અને તહેવારો દ્વારા ભક્તિ તથા આધ્યાત્મિક વૃદ્ધિનો માર્ગ અપનાવે છે.
આજે યોજાયેલી ઉજવણીમાં “જય ભોલેનાથ”ના ગુંજતા નાદ વચ્ચે ભક્તિ અને શ્રદ્ધાનું વાતાવરણ છવાઈ ગયું હતું.
