આણંદ, ૨૭ જૂન:
પેટલાદના ઐતિહાસિક રણછોડજી મંદિરમાંથી આજે બપોર બાદ ધામધૂમથી અને વાજતે ગાજતે રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન થયું હતું. ભગવાન શ્રી જગન્નાથજી એટલે કે રાજા રણછોડ નગરચર્યા માટે નિકળતાં ભક્તિભાવથી નગરના માર્ગો ગુંજી ઉઠ્યા હતાં. “જય રણછોડ માખણ ચોર” ના ગગનભેદી નારાઓ સાથે સમગ્ર નગર ભક્તિમય બન્યું હતું.


રથયાત્રાના માર્ગમાં ઠેરઠેર ભક્તો દ્વારા ભગવાનના વધામણા કરવામાં આવ્યા અને મગ તથા જાંબુના પ્રસાદનો ભોગ અર્પણ કરાયો હતો. સમગ્ર યાત્રા માટે પોલીસ તથા સ્વયંસેવકો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે


વિશેષત્વે, સ્વ. શ્રી લાલજી ડોડીયા પરિવાર દ્વારા નવીન રથ તથા ધ્વજારોહણનો શ્રેય મેળવ્યો છે. સાથે જ રબારી સમાજ દ્વારા રણછોડજી મંદિરમાં નવો રથ ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યો, જે ભાવભીનાં ક્ષણો વચ્ચે ભક્તજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

