ઓડ માં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નિકળી


ઓડ (તા. ૨૭ જૂન):
આણંદ જિલ્લાના ઓડ નગરમાં મલાવભાગોળે આવેલા સુપ્રસિદ્ધ શ્રી રણછોડરાય મંદિરમાંથી આજે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ધામધૂમ અને ધાર્મિક ભાવનાથી નિકળી હતી.

રથયાત્રા પૂર્વે મંદિરના મહંત જીગરભાઈ જાની દ્વારા તુષારભાઈ રમણભાઈ પટેલ પરિવારના હસ્તે વિધિસર પૂજન અને ધજારોહણ વિધિ કરવામાં આવી હતી. ભક્તિભાવથી યુક્ત આ ધાર્મિક પ્રસંગે નગરમાં હર્ષનો માહોલ છવાઈ ગયો હતો.


રથયાત્રામાં સાધુ-સંતો, ગામના આગેવાનો, મહિલાઓ, યુવાનો અને બાળકોનો ઉમળકો જોવા મળ્યો હતો. વિવિધ મહિલા મંડળો અને ભજન મંડળીઓ દ્વારા ભજન-કીર્તન અને રાસ-ગરબાનું આયોજન પણ કરાયું હતું. સમગ્ર યાત્રા માર્ગ પર ભાવિકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રથયાત્રા વિષે માન્યતા છે કે ભગવાન રોજ મંદિરમાં રહે છે પરંતુ આ દિવસે તેઓ પોતે જ રથમાં બેસીને ભક્તોના દર્શનાર્થે બહાર આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિઓ વિશિષ્ટ રથોમાં બિરાજી નગરભ્રમણ કરે છે.
આ પ્રસંગે મંદિરના મહારાજશ્રીએ તમામ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા અને ભક્તિ તથા સમર્પણના માર્ગે આગળ વધવા અનુરોધ કર્યો હતો.
આ ભવ્ય યાત્રા બપોરે ૧૨ વાગ્યે નિજ મંદિર પર પાછી ફરતાં વિધિવત આરતી અને વિદાય વિધિ સાથે સમાપન પામ્યું.