ડૉ. જસવંતસિંહ પરમાર અને બીકે સુરેખા દીદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા


ગોધરા, તા. ૨૩ જૂન:
પત્રકાર એકતા પરિષદનું પંચમહાલ જિલ્લા અધિવેશન ગોધરા શહેરની હોટલ લક્ઝરીયા ખાતે ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે યોજાયું. યોજનાની સફળતા સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે.


કાર્યક્રમની શરૂઆત દેશભક્તિથી ભરેલા રાષ્ટ્રગીત અને અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વાગત ગીત ગવાયું અને મહેમાનોનો શાલ, પુષ્પગુચ્છ તથા સ્મૃતિ ચિહ્ન આપીને સન્માન કરાયો.


આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, બ્રહ્માકુમારી સંચાલિકા બીકે સુરેખા દીદી, પૂર્વ અધ્યક્ષ ઇસ્માઇલ ઝભા, સમાજસેવી હિરેન દરજી, તેમજ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ સહિત અનેક રાજકીય તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દ્વિચરણીય લકી ડ્રોની અનોખી શૈલી દ્વારા પત્રકાર મિત્રો માટે વિશેષ ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં કાર્યરત તમામ પત્રકારો માટે ભોજન અને ગિફ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
પ્રદેશ અધ્યક્ષશ્રીએ તેમના ભાષણમાં પત્રકારો માટે રેલવે કન્સેશન પુનઃ શરૂ કરાવવા તથા ટોલ ટેક્સમાંથી મુક્તિ મળવા માટે કેન્દ્ર સમક્ષ રજૂઆત કરાઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ તથા ધારાસભ્ય શ્રી રાઉલજીએ પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
અંતે કાર્યક્રમના સંચાલન માટે જહેમત ઉઠાવનાર જિલ્લા પ્રમુખ શ્રી પ્રદીપભાઈ સોની, ઇસ્માઇલ ઝભા, ઉપાધ્યક્ષ શ્યામલ પટેલ, વિપુલ દરજી, ઝોનલ પ્રમુખ ફિરોઝભાઈ શેખ વગેરેનો વિશેષ ઉલ્લેખ કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ અધિવેશન દ્વારા સમગ્ર પંચમહાલ જિલ્લાની પત્રકાર તાકાત એક મંચ પર જોવા મળી હતી અને ભવિષ્યમાં સંગઠનાત્મક એકતાનું સુંદર દૃષ્ટાંત રચાયું હતું.