• Sun. Mar 1st, 2026

Bharat Bhoomi News India

India #1 News Platform

મુખ્યમંત્રીએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો આણંદમાં ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’નો શુભારંભ, ૯૦ ગામોને કૃષિ માર્ગદર્શન મળશે

ByBhavesh Soni

May 29, 2025
Spread the love

રાજ્યના ૨૯૫૧ ગામોના ક્લસ્ટરથી સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને ૫૫ જેટલી તજજ્ઞોની ટીમ વિકસિત કૃષિ દ્વારા અદ્યતન ખેતીથી ખેડૂત સમૃદ્ધિ માટે માર્ગદર્શન આપશે, ૧૨ જૂન સુધી અભિયાન ચાલશે


ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ICAR અને રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોના સહયોગથી આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તારીખ ૨૯મી મે થી ૧૨ જૂન સુધી દેશભરમાં યોજાવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આ અભિયાનનો પ્રારંભ આણંદ કૃષિ યુનિવર્સિટીથી કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ અભિયાનના પ્રારંભ અવસરે ખેડૂતોને વિવિધ સહાય કીટનું પ્રતિકરૂપે વિતરણ પણ કર્યુ હતું.


ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત ૨૩૫ તાલુકાઓના ૨૯૫૧ ક્લસ્ટર થકી ૩.૫૦ લાખથી વધુ ખેડૂતો સુધી સીધા પહોંચવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન દરમિયાન રાજ્યના ૩૦ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ૪ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે-ગામડે ફરીને ખેડૂતોની મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ, નવા સંશોધિત બિયારણો, નેનો ફર્ટિલાઇઝર, સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ ઉપરાંત જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવા જેવી કૃષિલક્ષી જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતો હિતલક્ષી સહાય યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવશે.


આણંદ કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ ૯ જિલ્લાઓના ૭૯૩ ગામોના અંદાજે ૧ લાખ ૨ હજારથી વધુ ખેડૂતો, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ૭ જિલ્લાના ૪૬૫ ગામોના ૮૦ હજાર ખેડૂતો, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગતના ૧૦ જિલ્લાના ૯૩૩ ગામોના ૧.૨૦ લાખ ખેડૂતો અને નવસારી કૃષિ યુનિવર્સિટી ઝોનના ૭ જિલ્લામાં ૭૬૦ ગામોના ૭૧ હજારથી વધુ ખેડૂતો એમ સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને આ અભિયાન હેઠળ આવરી લેવાનું સઘન આયોજન રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે કર્યું છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે, આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારી આગવી પહેલ બનશે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના ખેડૂતોને સમય અનુરૂપ ટેક્નોલોજીનો કૃષિમાં ઉપયોગ કરીને વેલ્યુ એડીશન, ફાર્મ મિકેનિઝમ, નેચરલ ફાર્મિંગ વગેરેના સંકલીત પ્રયાસો સાથે એકિકૃત દિશામાં કામ કરીને કૃષિમાં ક્રાંતિકારી પરિવર્તનની દિશા આપવામાં આ અભિયાન મહત્વપૂર્ણ બનવાનું છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાન રાજ્યના ખેડૂતો માટે ઘરેબેઠા ગંગાનો અવસર ગણાવતા ઉમેર્યુ કે, કૃષિ ક્ષેત્રે નવિન શોધ-સંશોધનની માંગને પારખીને આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના શ્રેષ્ઠ ઉપયોગથી નેનો યુરીયા ખાતર અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે કેવી રીતે કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે પૂરું પાડ્યું છે. જો ખેડૂતનું અને કૃષિ ક્ષેત્રનું તથા ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છાશક્તિ હોય તો કેવા બદલાવ લાવી શકાય તે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વીજળી અને નર્મદાનું પૂરતું પાણી સિંચાઈ માટે આપીને પુરવાર કર્યું છે. ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક વધુ લઈ શકાય, વેલ્યૂ એડિશન કરીને કેવી રીતે વધુ કિંમત મળે, એ બધી સમજ સામે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ તેમણે કૃષિ મહોત્સવથી અપનાવ્યો હતો એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.

મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, સોઇલ હેલ્થકાર્ડ, લેબ ટુ લેન્ડ, પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો મોદીની વિઝનરી લીડરશીપ અને આગવી દ્રષ્ટિથી ગુજરાતને મળ્યા છે. આ બધાના પરિણામે 2001થી 2014 સુધીના સમયગાળા દરમિયાન જ્યારે સમગ્ર ભારતનો કૃષિ વિકાસ દર માત્ર 3 ટકા હતો, ત્યારે ગુજરાતનો વાર્ષિક કૃષિ વિકાસ દર ડબલ ડિજિટના દરે વૃદ્ધિ કરી રહ્યો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેષભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, ચિરાગ પટેલ, કમલેશ પટેલ, વિપુલ પટેલ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, એગ્રો ઈન્ડસ્ટ્રીઝના એમ. ડી. વિજય ખરાડી, કૃષિ અને સહકાર વિભાગના સચિવ પી. ડી. પલસાણા, જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, કૃષિ વિભાગ ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *