• Sun. Mar 1st, 2026

Bharat Bhoomi News India

India #1 News Platform

આણંદમાં ગોયા તળાવ સ્વચ્છતા અને પ્લાસ્ટિક વિરોધી જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ

ByBhavesh Soni

May 23, 2025
Spread the love

પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં સહભાગી બની વડાપ્રધાનએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરીએ : જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી

સૌ સાથે મળી વડાપ્રધાનના પ્રદુષણ મૂક્ત ભારતના સંકલ્પને સાકાર કરીએ : ધારાસભ્ય યોગેશભાઈ પટેલ

સીંગલ યુઝ પ્લાસ્ટીક વપરાશના પ્રતિબંધ અર્થે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ

ગોયા તળાવને સ્વચ્છ બનાવવાના કાર્યમાં સહભાગી બનતું પ્રશાસન : અધિકારીઓ, સંસ્થાઓ અને શહેરીજનોએ સાથે મળી ગોયા તળાવની ગંદકીને દૂર કરવા કર્યુ શ્રમદાન

આણંદ, ગુરૂવારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણની જાળવણીની સાથે સમગ્ર દેશ પ્રદુષણ મૂક્ત બને તે માટે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભ આશય સાથે તા. ૨૨ મે થી ૫ મી જુન દરમિયાન જનજાગૃતિ પખવાડીયાની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે આજે આણંદ સ્થિત ગોયા તળાવને સ્વચ્છ બનાવવાના કાર્યની સાથે સીંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશના પ્રતિબંધ અર્થે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ કાર્યક્રમ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી,મ્યુ. કમિશ્નર મિલીન્દ બાપના, જિલ્લા વિકાસ અધિકારી દેવાહૂતિ અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં તમામ લોકોને સહભાગી બનાવવા બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતુ કે, વડાપ્રધાનએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનનું આહવાન સાકાર કરવા આજે નગરજનોની સાથે જિલ્લા પ્રસાશનના અધિકારીઓ પણ જોડાયા છે. તેમણે જણાવ્યું કે જે પ્લાસ્ટીક આપણા રોજીંદા કાર્યોની સરળતા માટે આપણે અપનાવ્યું હતુ, તે સીંગલ યુઝ પ્લાસ્ટીકથી આપણા પર્યાવરણને બહું મોટું નુકશાન થઈ રહયું છે.

આપણે આપણા જીવનમાંથી પ્લાસ્ટીકને તિલાંજલી આપવી પડશે તેમ જણાવતાં કલેકટરએ ઉમેર્યું હતુ કે, ઓછામાં ઓછો કચરો ઉત્પન્ન થાય તેવા કાર્ય દ્વારા સ્વચ્છતાને જીવનમંત્ર બનાવી આપણા દેશ-ધરતીને આપણે સ્વચ્છ – સુંદર બનાવવી પડશે.

ધારાસભ્ય યોગેશભાઈ પટેલે સ્વચ્છતાના કાર્યમાં જોડાયેલા સૌ લોકોને અભિનંદન પાઠવી શહેરને સ્વચ્છ બનાવવામાં પોતાનું મહામુલુ યોગદાન આપતાં સ્વચ્છતા કર્મીઓના કાર્યને બિરદાવ્યું હતુ. તેમણે સ્વચ્છતાના મંત્રને જીવનમાં અપનાવીને વડાપ્રધાનએ આપેલા પ્રદુષણ મૂક્ત ભારતની કલ્પનાને સાચા અર્થમાં સાકાર કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આણંદ મહાનગરપાલિકામાં સફાઈ કર્મીઓ તરીકે ફરજ બજાવતા અને શ્રેષ્ઠ કામગીરી કરતા પાંચ સફાઈ કર્મીઓ પ્રત્યેકને રૂપિયા ૧૦ હજારના ચેક આપીને તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મહાનુભાવોએ ૦૨ ઈ-રીક્ષાનું પણ લોકાર્પણ કર્યું હતું, આ રીક્ષાઓ દ્વારા આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાંથી ઈ-વેસ્ટ કલેક્શન કરવામા
આવશે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી, મ્યુ. કમિશ્નર મિલીન્દ બાપના, જિલ્લા વિકાસ અધિકારી દેવાહૂતિ અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સહિત સંકલનના અધિકારીઓ તથા અન્ય મહાનુભાવોની સાથે વિવિધ સંસ્થાઓ અને શહેરીજનોએ સાથે મળીને ગોયા તળાવમાંથી પ્લાસ્ટીક કચરો, ગંદકી દૂર કરવા શ્રમદાન કર્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *